શેલા ગામના બિલ્ડરે રહસ્યમય સંજોગોમાં કરી આત્મહત્યા, જાસપુર કેનાલમાંથી મળી લાશ

અમદાવાદના બોપલ નજીક આવેલ શેલા ગામમાં રહેતા બિલ્ડર મૈનેશ પટેલની રહસ્યમય સંજોગોમાં જાસપુર ગામમાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી લાશ મળી આવતા સાંતેજ પોલીસે તપાસ શરૂ કરી છે.

અમદાવાદના બોપલમાં રહેતા એક બિલ્ડરે આર્થિક સંકડામણને કારણે આત્મહત્યા કરી લેતા પોલીસે તપાસ શરૂ કરી છે. સાંતેજ પોલીસ મથકની હદમાં આવેલ જાસપુર ગામમાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી એક ઈસમની લાશ મળી આવી હતી. ખિસ્સા તપાસતા આધાર કાર્ડ અને ઓળખ પત્ર મળી આવતા શેલા ગામમાં રહેતા બિલ્ડર મૈનેશ પટેલની આ લાશ હોવાનું સામે આવ્યું હતું.

ઓળખપત્ર અને આધારકાર્ડના લીધે લાશની ઓળખ થઈ શકી

ઓળખપત્રને આધારે પરિવારજનોનો સંપર્ક કરતા લાશ મૈનેશ પટેલનીજ હોવાનું પ્રસ્થાપિત થયું હતું. બિલ્ડર મૈનેશ પટેલ છેલ્લા કેટલાંક સમયથી આર્થિક સંકડામણ અને દેવાને કારણે પરેશાન હતા જેથી આત્મહત્યા કરી હોવાનું અનુમાન છે.
મૈનેશભાઈ ગત 8મીએ સવારે ઘરેથી કાર લઈને નીકળ્યા હતા અને સાંજે તેઓની કાર અડાલજ નજીક જમીયતપુરા કેનાલ નજીક પડી હતી અને કાર પર તેઓના સાળાનો નમ્બર લખેલો હતો.  જેના આધારે પરિવારજનો ત્યાં પહોંચ્યા પરંતુ કાર સિવાય અન્ય કોઈ વસ્તુ મળી આવી નહોતી. અડાલજ પોલીસે ગુમ થયાની જાણવા જોગ નોંધી તપાસ શરૂ કરી હતી.  જોકે કોઈ પત્તો લાગ્યો નહોતો અને લાશ મળી આવી હતી.

ધંધામાં ખોટ ગઈ હોવાથી આત્મહત્યા કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે

સૂત્રોના જણાવ્યા અનુસાર મૈનેશ પટેલને ધંધામાં ખોટ ગઈ હતી અને બાવળાના કેટલાક માથાભારે શખ્સો સાથે માથાકૂટ ચાલતી હતી અને તેને કારણે જ તેઓએ આત્મહત્યા કરી હોવાની શક્યતા છે. આ મામલે સાંતેજ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. સાંતેજ પોલીસ સ્ટેશનના PSI વહિદા શેખે ટીવીનાઈનને જણાવ્યું કે મૃતકના ભાઈએ પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યુ છે કે છેલ્લા કેટલાંક સમયથી આર્થિક સંકડામણ અનુભવી રહ્યા હતા તેને કારણે આત્મહત્યા કરી હોય શકે છે,  જોકે અમે તમામ પાસાઓની તપાસ કરી રહ્યા છે.

Centre Recommends Rejection of Nirbhaya Rapist's Mercy Plea, File Sent to President Kovind | Tv9

FB Comments