ઉત્તરપ્રદેશ ભાજપની મહિલા નેતાથી કંટાળીને અમદાવાદ ભાજપની મહિલા મોરચાની કાર્યકરે કરી આત્મહત્યાની કોશિશ

ઉત્તરપ્રદેશ ભાજપની એક મહિલા નેતાની હેરાનગતિ અને ધાકધમકીથી કંટાળીને અમદાવાદ શહેર ભાજપ મહિલા મોરચાની કાર્યકરે જંતુનાશક દવા પીને આત્મહત્યાની કોશિશ કરી હતી, પરંતુ પરિવારજનોની સતર્કતાને કારણે તેણીનો જીવ બચી જવા પામ્યો છે.

સિવિલ હોસ્પિટલના બિછાને 23મી માર્ચથી સારવાર લઈ રહેલી અમદાવાદ શહેર ભાજપ મહિલા મોરચાની નેતા 1 માસથી વધુ સમયથી ઉત્તરપ્રદેશના મિર્ઝાપુર મહિલા મોરચાની ઉપપ્રમુખથી ત્રાહિમામ પોકારી ઉઠી છે. તાજેતરમાં ગાંધીનગરના અડાલજ ખાતે મળેલા ભાજપના રાષ્ટ્રીય મહિલા સંમેલનમાં અમદાવાદ મહિલા ભાજપના મોરચાની નેતાનો પરિચય ઉત્તરપ્રદેશના મિર્ઝાપુરની મહિલા નેતા શશીકલા પાઠક સાથે થયો હતો.
ઉત્તરપ્રદેશની ભાજપ નેતા શશીકલા પાઠક
પાર્ટીની વ્યવસ્થા મુજબ અન્ય શહેરો તથા ગામોમાંથી રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપવા આવેલી મહિલાની રોકાણની વ્યવસ્થા અલગ અલગ મહિલા કાર્યકરો કે નેતાઓને ત્યાં કરવામાં આવી હતી. આજ રીતે શશીકલા પાઠકની રોકાણની વ્યવસ્થા આ મહિલાના ઘરે કરવામાં આવી હતી. ત્યારથી થયેલો પરિચય ગાઢ બન્યો અને શશીકલાની આ મહિલા પ્રત્યે અલગ પ્રકારની લાગણી જન્મી,ત્યાર પછી ફોન પર કલાકો સુધી વાતચીત અને વિવિધ પ્રકારના મેસેજ શશીકલા કરવા લાગી, જેથી આ ચાંદખેડાની મહિલા ત્રાસી ગઈ હતી.
મહિલાએ વાત કરવાની બંધ કરી દેતા શશીકલા પાઠકે ધાકધમકીઓ આપવાનું શરૂ કર્યું આટલેથી જ નહીં અટકતા આ મહિલાના સગા-સંબંધીઓ અને મિત્ર વર્તુળના મોબાઈલ ફોન નંબર મેળવી તમામ પર અમદાવાદ ભાજપની  મહિલાની બદનામી  થાય તેવા મેસેજ કરવા માંડી.  જેથી કંટાળીને આખરે 23મી માર્ચના રોજ અમદાવાદ શહેર ભાજપની આ મહિલા કાર્યકરે તેના ચાંદખેડા સ્થિત નિવાસે મચ્છરનાશક ઓલાઉટ દવા ગટગટાવી દીધી હતી.
ઉત્તરપ્રદેશના મિર્ઝાપુરમાં અન્ય મહિલા કાર્યકરો જેના ત્રાસનો ભોગ બની ચુકી છે તે શશીકલા પાઠકે મહિલા કાર્યકરના  સગા સંબંધીઓને કરેલા મેસેજથી મહિલાના પરિવારજનો પણ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયા છે અને આ મહિલાના ત્રાસથી મુક્તિ ઈચ્છે છે. અમદાવાદ ભાજપ મહિલા મોરચાની નેતાના પતિએ જણાવ્યું કે અમારા પરિવારના દરેક સદસ્યોના મોબાઈલ નંબર તેની પાસે ક્યાંથી પહોંચી ગયા તે અમને ખબર નથી. અમે ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયા છે. મારી બે પુત્રીઓ અને પુત્રની સલામતીની ચિંતા છે, બસ અમને આ મહિલાના ત્રાસથી બચાવો.
આ ઘટના સંદર્ભે હાલ ચાંદખેડા પોલીસે માત્ર જાણવા જોગ નોંધ લીધી છે, શહેર ભાજપની મહિલા નેતાએ જે સંજોગોમાં આત્મહત્યાની કોશિશ કરી છે તેને કારણે શશીકલા પાઠક વિરુદ્ધ ગુનો નોંધવાની જરૂર છે.  જોવાનું એ છે કે પોલીસ આ મામલે કેટલી ઝડપી કાર્યવાહી કરીને અન્ય મહિલાઓને આ ઉત્તરપ્રદેશની મહિલાના ત્રાસમાંથી બચાવે છે.

Top News Stories From Gujarat: 18/9/2019| Tv9GujaratiNews

FB Comments