અયોધ્યામાં દીપોત્સવની જોરશોરથી તૈયારી, 3 લાખ દીવડાંઓથી ઝગમગી ઉઠશે અયોધ્યા, જુઓ ખાસ તસવીરો

દિવાળીના એક દિવસ પહેલા જ અયોધ્યામાં દીપોત્સવની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. ભગવાન શ્રીરામના સ્વાગત માટે અયોધ્યા નગરીને ફરી એક વાર ત્રેતાયુગનું અયોધ્યાના રૂપે તૈયાર કરવામાં આવ્યું છે.

સરયૂના તટ પર 3 લાખ દીવડાંઓના દીપોત્સવ સાથે ઉત્તર પ્રદેશની યોગી સરકાર ભગવાન રામના સ્વાગતની તૈયારીઓ કરી રહી છે. આ કાર્યક્રમની ખાસ વાત એ છે કે તેમાં દક્ષિણ કોરિયાની સાથે સાથે રૂસ, ઈન્ડોનેશિયા અને ત્રિનિદાદના કલાકારો પણ ભાગ લેશે.

ભગવાન રામની પ્રતિમા સાથે થઈ શકે છે ઘણી મોટી જાહેરાતો
કહેવાઈ રહ્યું છે કે આ દીપોત્સવના કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી ઘણી મોટી જાહેરાતો કરી શકે છે. જેમાં અયોધ્યામાં ભગવાન રામની વિશાળ પ્રતિમા સ્થાપવાની સાથે સંત સમુદાય સાથે જોડાયેલી મહત્ત્વની જાહેરાતો પણ થઈ શકે છે.

રેતી પર તૈયાર કરાઈ રહી છે કલાકૃતિઓ
અયોધ્યામાં થનારા દીપોત્સવમાં રેતકળાના વિખ્યાત કલાકાર પદ્મશ્રી સુદર્શન પટનાયક રેતી પર ભગવાન રામ અને હનુમાનજીની ચિત્ર-આકૃતિ તૈયાર કરી રહ્યાં છે. જેનું અનાવરણ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ કરશે.

દર્શાવાશે ડિજિટલ રામલીલા
આ દીપોત્સવ દરમિયાન ડિજિટલ 3ડી રામકથા દર્શાવવામાં આવશે. સાથે જ અહીં રામ બજાર પણ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં રામકથાથી જોડાયેલી દુર્લભ સામગ્રીઓનું વેચાણ કરવામાં આવશે.

સર્જાશે વિશ્વરેકોર્ડ
રામ કી પેઢીના અલગ અલગ ઘાટો પર ત્રણ લાખ દીવડાઓ પ્રગટાવવામાં આવશે. અને આ દીપપ્રાગટ્યના કાર્યક્રમને ગિનેસ બૂકમાં સ્થાન અપાવીને વિશ્વ રેકોર્ડ બનાવવાનો પણ પ્રયાસ કરાઈ રહ્યો છે. તો સાથે જ વિદ્યાર્થીઓ વિવિધ રંગોળીઓ પણ બનાવી રહ્યાં છે.

દીપોત્સવનો સમગ્ર કાર્યક્રમ
બપોરે 3 કલાકે- ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, રાજ્યપાલ અને કોરિયાની પ્રથમ મહિલા કિમ-જુંગ-સુક શહેરના રામબજારમાં કલાકાર સુદર્શન પટનાયક દ્વારા બનાવવામાં આવેલ ભગવાન રામના ચિત્રનું અનાવરણ કરશે
બપોરે 3.15થી 4 કલાક સુધી- સીએમ યોગી આદિત્યનાથ કિમ-જુંગ-સુક સ્મારકની આધારશીલા રાખશે
સાંજે 4થી 4.30 કલાક સુધી- રામલીલામાં સીતા, રામ અને લક્ષ્મણના પાત્ર ભજવતા કલાકારોને સરકારી હેલિકૉપ્ટરમાં કાર્યક્રમના સ્થળ પર લાવવામાં આવશે
સાંજે 4.30થી 6 કલાક સુધી- અયોધ્યાના રામકથા પાર્કમાં મુખ્ય સમારોહનું આયોજન કરવામાં આવશે.
સાંજે 6.15 કલાકે- અયોધ્યાના સરયૂ તટ પર મહાઆરતીની શરૂઆત થશે. આ કાર્યક્રમમાં તમામ વીઆઈપી મહેમાનો ભાગ લેશે. મહાઆરતી બાદ સરયૂ તટ પર દીપોત્સવની શરૂઆત થશે જ્યાં રામની પેઢી પર આશરે 3 લાખ દીવડાંઓ પ્રગટાવવામાં આવશે
સાંજે 7.30 કલાકે- રામ કી પેઢી પર વૉટર શો દ્વારા રામાયણનું ચિત્રણ કરવામાં આવશે
રાત્રે 7.45 કલાકે- સીએમ યોગી તેમજ રાજ્યપાલ રામલીલામાં ભાગ લેનાર કલાકારોને સન્માનિત કરશે
રાત્રે 8 કલાકે- સમગ્ર અયોધ્યામાં આતશબાજી કરવામાં આવશે
રાત્રે 8.30થી 10.30 કલાક સુધી- ઈન્ડોનેશિયા, ત્રિનિદાદ તેમજ રૂસની રામલીલા, કોરિયાના કલાકારોના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે

FB Comments

Hits: 7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *