સાબરકાંઠા પોલીસના લીધે ભાજપ ખફા તો કોંગ્રેસ રાજીના રેડ! ગાયક દલેર મહેંદીના કાર્યક્રમને લઈને વિવાદ ચરમસીમાએ પહોંચ્યો

સાબરકાંઠા પોલીસે લોકસભાની ચુંટણીના સમયે જ કોંગ્રેસના સમર્થક  ગાયક કલાકારનો કાર્યક્રમ યોજતા જ ભાજપ વિરોધના મુડમાં આવી ગયુ છે. ભાજપ હવે પોલીસ તંત્રના વિરોધમાં ચૂંટણી પંચ અને કલેકટરને પણ ફરીયાદ રજુઆત કરી આ કાર્યક્રમ થવો જોઈએ જ નહીં. 

એક તરફ આમ તો તંત્ર અને પોલીસ બંને લોકસભાની ચૂંટણીને લઇને વ્યસ્ત બન્યા છે. ત્યાં સાબરકાંઠા પોલીસને કોંગ્રેસી ગાયક કલાકારને બોલાવીને ઇવેન્ટ યોજવાની નવરાશ મળી આવતા હવે એ  વિવાદનું ઘર બન્યુ છે. સાબરકાંઠા પોલીસ પોતાના સંચાલીત સુરક્ષા સેતુ સોસાયટીના બેનર હેઠળ આગામી ૩૦મી માર્ચે  હિંમતનગરમાં આવેલ એસપી કચેરીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર ગાયક કલાકાર દલેર મહેંદીની સ્પેશીયલ ઇવેન્ટ યોજાનાર છે. આ માટે જિલ્લાભરમાં તમામ પોલીસ મથકે અને શહેરોમાં હોર્ડીંગ લગાવી પોલીસે શક્ય તમામ ભરપુર પ્રચાર ઉત્સવપ્રિય લોકો માટેની ઇવેન્ટ યોજવા માટે હાલ ઉત્સાહપુર્ણ કમર કસવામાં લાગી ગઈ છે. 
બીજી તરફ ઇવેન્ટ માટેના મોંઘી દાટ રકમના પાસ પણ પોલીસ સ્ટાઇલથી વિતરણ કરાતા લોકોમાં પણ મજબુરીએ પાસ લેવાનો કચવાટ વર્તાઇ રહ્યો છે. આ દરમ્યાન જ હવે ભાજપે પણ પોતાનો આકરો વિરોધ નોંધાવ્યો છે અને કોઇપણ સંજોગોમાં પંજાબ કોંગ્રેસના નેતા એવા દલેર મહેંદીને ચૂંટણીના સમયે આ કાર્યક્રમ યોજવા નહી દેવામાં આવે એવો વિરોધ નોંધાવ્યો છે.  ભાજપનું પણ માનવુ છે કે લોકસભાની ચુંટણી ટાણે જ આ કાર્યક્રમ યોજવા પાછળનો હેતુ પણ કોંગ્રેસને ફાયદાકારક સાબીત થઈ શકે છે આમ ભાજપે હવે આ કાર્યક્રમને રદ કરાવવા માટે એડીચોટીનુ જોર લગાવી દીધુ છે. 
સાબરકાંઠા જીલ્લા ભાજપ જેડી પટેલ,પ્રમુખ કહે છે કે દલેર મહેંદીએ કોંગ્રેસનો છે એ સ્પષ્ટ છે અને તેની પર ક્રીમીનીલ ચાર્જીસ પણ લાગેલા છે.  આમ સરકારી જગ્યામાં આવા કલાકારને અમે કોઇપણ રીતે કાર્યક્રમ ચૂંટણીના સમયે તો યોજવા નહી દઈએ અને આ માટે ચુંટણી પંચ અને કલેકટરને પણ રજુઆત કરીશુંં.  આ આચારસંહિતાનો સ્પષ્ટ રીતે  ભંગ છે. 
 
દલેર મહેંદી પર હ્યુમન ટ્રાફીકીંગના ગુન્હામાં દોષીત થતા તેની સજા પણ બે વર્ષની થયેલી છે અને તે માટે હાલ પણ ઉપલી કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. તો બીજી તરફ કોંગ્રેસને પણ પોતાના જ નેતાનુ સરકારી આયોજનથી ચૂંટણી ટાણે આગમન થવાને લઈને મન મલકાઇ ઉઠ્યુ છે. વિના કોઇ ખર્ચાએ ચૂંટણીના પ્રચારના સમયે જ કોંગ્રેસને પોતાના મોંઘાદાટ નેતા કમ કલાકારનો કાર્યક્રમ યોજાતા સીધો જ લાભ થવાની આશાએ કોંગ્રેસ પણ હવે આ મુદ્દે કોઇ ફોડ પાડવા માટે તૈયાર નથી. જ્યારે કોંગ્રેસ પ્રમુખે તો કાર્યક્રમનુ આમંત્રણ નહી મળ્યું હોવાનુ કહી હાથ ખંખેરી ચૂપકીદી સેવી લઈ આવકારતા હોવાની પણ જાહેરાત કરતા વિવાદના ભડકામાં જાણે કે તેલ રેડાયુ છે.
જિલ્લા કોંગ્રેસ સમિતીના પ્રમુખ મણીલાલ પટેલ કહે છે કે અમને કોઇ આમંત્રણ મળેલ નથી એટલે હું કંઇ જાણતો નથી, પણ આવા કાર્યક્રમમાં આવું કોઇ આવતું હોય તો અમે તેમને આવકારીએ છીએ. આમ તેમની આવકારવાની વાતથી પણ ભાજપના નેતાઓ નારાજ છે અને કાર્યક્રમને રોકવા ગમે તે કરવા તૈયાર થયા છે. 
સાબરકાંઠા પોલીસના મુજબ આ કાર્યક્રમથી કોઈ જ આચાર સંહિતતાનો ભંગ થતો નથી અને આ માટે રાજકીય રીતે કોઇ જ વાત સ્ટેજ પરથી નહી કરવામાં આવે તેવો બચાવ કરાયો છે. જોકે આશ્વર્યની વાત એ છે કે આચારસંહિતા દરમિયાન પણ હાલ સાબરકાંઠા પોલીસની સુરક્ષા સેતુ સોસાયટીના જ પાસ પણ લોકોને વિતરણ થઇ રહ્યાં છે અને હોર્ડીંગ્સ પણ લગાવેલા છે. તો દલેર મહેંદીના સાબરકાંઠા પોલીસના ટ્વીટર હેન્ડલ પર શેર કરેલા વીડીયોમાં પણ દલેર ખુદ કહે છે કે આપના પગ થાકે નહી ત્યાં સુધી શો ચાલુ રાખવામાં આવશે.
આમ આચારસંહીતામાં રાત્રીના 10 વાગ્યા પછી લાઉડ સ્પીકર વગાડવાના કાયદાનું પણ જાણે કે ઉલ્લંધન સમાન જાહેરાત કરાઈ હોવાનો દાવો ગણાવાઇ રહ્યો છે. આચારસંહિતાના નામે જિલ્લામાં મોટાભાગના હોર્ડીંગ્સ ઉતારી લીધા છે ત્યારે દલેર મહેંદીના ફોટા સાથેના હોર્ડીંગ્સ પણ લગાવેલા રહેતા એ પણ હવે ભાજપ માટે અણીયાળા કાંટા સ્વરુપ દેખાઈ રહ્યા છે. જ્યારે સવાલ એ પણ છે કે રાજકીય રીતે હાલ તો પુલવામાની ઘટનાને લઇને હજુ લોકો પણ જવાનોની શહાદતને ભુલ્યા નથી ત્યારે ખાખી વર્ધીની પોલીસને જ શહાદત ભુલીને ચુંટણી ટાણે રાજકીય નેતા કમ કલાકારના તાલે ઝુમવાનો શોખ થઈ આવ્યો તે પણ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
 
સાબરકાંઠા જિલ્લા પોલીસ અધીક્ષક ચૈતન્ય મંડલીકે જણાવ્યુ હતુ કે આમાં કોઇ આચાર સંહીતાનો ભંગ નથી અને આ માટે અમે અમારા ગ્રાઉન્ડનો ઉપયોગ કરવા આપ્યો છે, તો આચારસંહીતા ભંગ થાય એમ કોઇ રાજકીય બાબત આવશે કાર્યક્રમ દરમ્યાન તો આ માટે અમે ફરીયાદ પણ નોંધીશું. 
સાબરકાંઠા પોલીસના ઉત્સાહપુર્ણ આયોજનથી ચૂંટણીના સમયે ભાજપ પણ મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે કે રાજ્યમાં પોતાની જ સત્તા હોવા છતાં પણ ભાજપ સામે સરકારી તંત્ર જ ભાજપ વિરોધી માનસીકતાના નેતાને કલાકાર ના બહાને જાહેર ઇવેન્ટ યોજે તે હવે આબરુનો સવાલ બની ગયો છે. જોકે હવે લોકસભાની ચુંટણી પહેલા ભાજપ તેની મક્કમતા પર હારે છે કે જીતે છે તે પણ હવે જોવુ રસપ્રદ બની ગયુ છે. 

Surendranagar: Rise in epidemics due to lack of cleanliness in Wadhwan| TV9GujaratiNews

FB Comments