Loksabha 2019: જાણો સૌરાષ્ટ્રથી દિલ્હી જવાની રેસમાં કોણ છે આગળ? ભાજપ વાપરશે નો-રિપીટ થિયરી? કોંગ્રેસ આપશે નવા ચહેરાઓને સ્થાન?

લોકસભાની ચૂંટણીમાં આ વખતે ‘કાંટે કી ટક્કર’ છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ ફરીવાર દિલ્હીની સત્તા મેળવવા માગે છે. તો બીજી તરફ કોંગ્રેસ પણ પરિવર્તન કરવા એડીચોટીનું જોર લગાવી રહી છે.

ગુજરાતની લોકસભા બેઠકોમાં આ વખતે કયો પક્ષ, ક્યા ઉમેદવારને મેદાનમાં ઉતારશે તે ચર્ચાએ જોર પકડ્યું છે. TV9 પાસે છે એ તમામ નામ જેમની ચર્ચા સૌરાષ્ટ્ર અને કચ્છની બેઠકો માટે ચાલી રહી છે.

સૌરાષ્ટ્ર અને કચ્છ કુલ મળીને 8 બેઠકો છે. ગત લોકસભામાં સૌરાષ્ટ્ર-કચ્છની આઠે-આઠ બેઠકો પર ભાજપે કબજો જમાવ્યો હતો. જો કે આ વખતે બંન્ને પક્ષ ક્યા ઉમેદવારને તક આપે છે, તે પ્રશ્ન ખૂબ જ મહત્વનો છે.

અમરેલી બેઠક

સૌથી પહેલા વાત અમરેલી બેઠકની. આ એવી બેઠક છે. જ્યાં કોળી અને પટેલ સમાજના મતદારોનું પ્રભુત્વ છે.
ભાજપ અમરેલીના હાલના સાંસદ નારણ કાછડિયાને રિપીટ કરી શકે છે. તો બાવકું ઉંધાડ, હીરા સોલંકી અને ડૉ. ભરત કાનાબાર પણ રેસમાં છે. તો વિપક્ષના નેતા પરેશ ધાનાણી ખેડૂતો માટે લડત ચલાવનારા કનુ કલસરિયા અથવા જેની ઠુમ્મરને કોંગ્રેસ ટિકિટ આપી શકે છે. આ તરફ તાજી ચર્ચા મુજબ અમરેલી બેઠક પર હાર્દિક પટેલને તક મળી શકે છે.

રાજકોટ બેઠક

વાત રાજકોટ બેઠકની કરીએ. આ વખતે મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટથી ચૂંટણી લડે તેવી ચર્ચા છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો મત વિસ્તાર હોવાથી ભાજપ માટે આ બેઠક સુરક્ષિત ગણાય છે. જો કે ભાજપ હાલના સાંસદ મોહન કુંડારિયાને પણ રિપીટ કરી શકે છે. વાત કોંગ્રેસની કરીએ તો કોંગ્રેસ લલિત કગથરા અથવા રાજકોટ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ હિતેશ વોરાને મેદાને ઉતારી શકે છે. જો કે આ ટક્કરમાં ભાજપનું પલડું ભારે છે.

 

READ  10 months old, but weighs 17 kg Pune boy faces rare obesity surgery - Tv9 Gujarati

પોરબંદર બેઠક

પોરબંદર લોકસભા બેઠક પર વિઠ્ઠલ રાદડિયાની ટિકિટ કપાઈ શકે છે. તેમની નાદુરસ્ત તબિયત આની પાછળનું કારણ કહેવાઈ રહ્યું છે. હવે આ સંજોગોમાં ભાજપ વિઠ્ઠલ રાદડિયાના પુત્ર જયેશ રાદડિયા કે લલિત રાદડિયાને તક આપી શકે છે. તો જશુમતી કોરાટ અથવા મનસુખ ખાચરિયાનું નામ પણ ચર્ચામાં છે. વાત કોંગ્રેસની કરીએ તો પોરબંદરમાં પીઢ રાજકારણી અર્જૂન મોઢવાડિયાને મોકો મળે તેમ છે. જો કે શક્યતા લલિત વસોયાના નામની પણ છે. તો અહીંથી NCPમાંથી કાંધલ જાડેજા પણ ઉમેદવારી નોંધાવી શકે છે.

જામનગર બેઠક

જામનગરમાં હાલના સાંસદ પૂનમ માડમને ભાજપ રિપીટ કરી શકે છે. જો કે વડાપ્રધાન મોદીના વિશ્વાસુ ગણાતા આર.સી. ફળદુને પણ ટિકિટ મળી શકે છે. ત્યારે કોંગ્રેસ વિક્રમ માડમને મેદાને ઉતારે તેવી અટકળો છે. તેની સાથે વલ્લભ ધારવિયા અને જશમત પટેલને પણ કોંગ્રેસ આપી શકે છે તક. સૌરાષ્ટ્રની મહત્વની આ ચાર બેઠકો બંને પક્ષ માટે 50-50 જેવી સાબિત થઈ શકે છે.

READ  અમિતાભ બચ્ચનને અચાનક 24 કલાકમાં જયા સાથે લગ્ન કરવા પડ્યા હતા, જો ન કર્યા હોત તો....., Amitabh-Jaya Marriage Anniversary Special

ભાજપ માટે એમ સામાન્ય રીતે કહેવાય છે કે તે નો-રિપીટ થિયરી વાપરે છે. પરંતુ હાલની સ્થિતિ ભાજપ માટે એવી છે કે જો નવા ચહેરા મેદાને ઉતારે અને કોંગ્રેસના દિગ્ગજો ફાવી જાય તો કેન્દ્રની સત્તા હચમચી જાય. આવી જ સ્થિતિ કોંગ્રેસ માટે પણ છે. ભલે મહાગઠબંધન હોય પરંતુ કોંગ્રેસ વધુ બેઠકો સાથે પોતાની વાત આગળ રાખવા માગે તે સ્વાભાવિક છે. એટલે જ પસંદગી કોઈ પણ પરંપરાને ધ્યાને રાખીને નહીં, જીતના જુસ્સાને આગળ ધરીને થઈ રહી છે.

ભાવનગર બેઠક

ભાવનગરમાં ભારતી શિયાળની ટિકિટ કપાઈ શકે છે. તેમના બદલે બે વખત મેયર રહી ચૂકેલા નિમુ બાંભણિયાને ભાજપ તક આપી શકે. તો કોળી સમાજનું પ્રભુત્વ હોવાથી ભાજપ હીરા સોલંકીને પણ ઉતારી શકે છે. કોંગ્રેસમાંથી પણ 3 ચહેરા ચર્ચામાં છે. સહકારી ક્ષેત્રના આગેવાન નાનુ વાઘાણી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સંજયસિંહ સરવૈયા, મનહર વસાણીને મેદાને ઉતારી કોંગ્રેસ કોળી અને ક્ષત્રિય સમાજને આકર્ષવાનો પ્રયાસ કરી શકે.

જૂનાગઢ બેઠક

જૂનાગઢ લોકસભા બેઠક પર રાજેશ ચુડાસમાનો સંગઠન સાથે યોગ્ય તાલમેલ છે. જેથી ભાજપ ચુડાસમાને ફરી તક આપી શકે. જો કે દિનુ બોઘા સોલંકી, દેવાભાઈ માલમ અને મહેન્દ્ર મશરૂનું નામ પણ રેસમાં છે. આ તરફ કોંગ્રેસ પૂંજા વંશ, વિમલ ચુડાસમા અને હર્ષદ રીબડિયાને તક આપી શકે છે.

READ  પાકિસ્તાનીઓ પણ હવે જાણે છે કે, આ મનમોહન નહીં પરંતુ મોદી સરકાર છે, ઇમરાન ખાન શું આ વાત સમજશે ?

સુરેન્દ્રનગર બેઠક

સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્રની અંતિમ બેઠક. અહીં વિવાદ અને કોર્ટ કેસના કારણે ભાજપમાંથી દેવજી ફતેપરાની ટિકિટ કપાવાની પ્રબળ શક્યતા છે. આ બેઠક માટે ભાજપમાંથી પ્રકાશ કોરડિયા, મથુર સાકરિયા અને શંકર બાવળિયાના નામ રેસમાં છે. તો કોંગ્રેસના જૂના જોગી સોમા પટેલની સાથે શામજી ચૌહાણ અને લાલજી મેરને મેદાને ઉતારી શકે છે.

કચ્છ બેઠક

કચ્છ લોકસભા બેઠક પર વિનોદ ચાવડાને ભાજપ રિપીટ કરી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગૂડ બૂકમાં વિનોદ ચાવડાનું નામ છે. તો આ તરફ કોંગ્રેસ નરેશ મહેશ્વરી કે કિશોર પીંગોળને મેદાનમાં ઉતારી શકે છે. આ બેઠક પર દલિત સમાજનું પ્રભુત્વ હોવાથી બંને પક્ષ દલિત આગેવાન પર પહેલી પસંદગી ઢોળી શકે. જો કે સવાલ એ છે કે શું ભાજપ નો-રિપીટ થિયરી વાપરશે. શું કોંગ્રેસ છાપેલા કાટલાઓને છોડી, નવા ચહેરાઓને સ્થાન આપશે. આવા અનેક સવાલો પણ રાજકીય વર્તૂળોમાં ઉઠી રહ્યાં છે. જો કે ટિકિટ તો તેને જ મળશે જે પક્ષને જીત અપાવી શકે છે.

[yop_poll id=1174]

TV9 Headlines @ 11 AM: 16/10/2019| TV9GujaratiNews

FB Comments