ક્રાઈમ કહાની ભાગ-2: આલીશાન ‘શ્રી નિવાસ’ સ્મશાન બની ગયું હતું અને ‘ચપ્પા’ જેલમાં બંધ હતો

રાજકોટ-મોરબી હાઈ-વે પર કોથળામાંથી મળેલા માનવઅંગો મામલે રાજકોટ પોલીસની તપાસ કચ્છ સુધી પહોંચી હતી. કચ્છમાંથી લાપતા મહિલા અને બે બાળકોની તપાસ ચાલી રહી હતી. બીજી તરફ લોહી નીતરતી ભીંત પોલીસની રાહ જોતી હતી. પોલીસની કચ્છમાં લાપતા મહિલા અને બાળકોની તપાસ નિષ્ફળ રહી. પોલીસને શંકા હતી કે, રાજ્યમાં ક્યાંક કોઈ લાપતા થયેલા વ્યક્તિની નોંધ થઈ હશે. તેથી ભેદ ઉકાલેશે. પોલીસે હવે આખા રાજ્યમાં આ અંગે જાણ કરી પણ, કોઈ લાપતા મહિલા કે બાળકની વિગતો ન મળી. જ્યાં સુધી મૃતક કોણ છે? તે ઓળખ ન થાય ત્યાં સુધી તેના હત્યારા સુધી પહોંચવું લગભગ પોલીસ માટે અશક્ય હોય છે.

આ પણ વાંચોઃ ક્રાઈમ કહાની ભાગ-1: લોહી નીતરતી ભીંત પોલીસની રાહ જોતી હતી અને 200 કિલોમીટર દૂર કોથળામાંથી માનવ અંગો રોડ પર વેરાઈ પડ્યા!

આ કિસ્સામાં પણ પોલીસ આ વાત જાણતી હતી. રેન્જ IGP એલ.જાનીએ તાત્કાલીક બેઠક બોલાવી. આ બેઠકમાં એસ.પી અજય તોમર જિલ્લાના ચુનંદા અધિકારીઓ સાથે પહોંચ્યા. આ બેઠકમાં સૂચના અપાઈ કે, પહેલા મૃતકની ઓળખ કરી લેવામાં આવે. આ સમયે ટેકનિકલ સર્વેલન્સ પોલીસ માટે ઝાંઝવાનું જળ હતું. પરંતુ હ્યુમન ઇન્ટેલીજન્સ એટલે કે, બાતમીદારોનું નેટવર્ક કારગર હતું.

 

પોલીસ દિવસો સુધી નિષ્ફળ રહી. રાજકોટ જિલ્લા પોલીસની હદમાં માળીયા પહેલાં પુલ નજીક કે જ્યાંથી માનવઅંગો ભરેલો કોથળો મળ્યો હતો. તે વિસ્તાર PSI ડી.એચ પરમારની હદમાં આવતો હતો. સિનિયર અધિકારીઓના દબાણથી પોલીસ પણ રાતોની રાત ઉજાગરા કરી આ ભેદ ઉકેલવામાં લાગી પડી હતી. એક દિવસ ડી.એચ પરમારને વિચાર આવ્યો કે, જ્યાંથી કોથળો મળ્યો. ત્યાં જઈને તપાસ કરવામાં આવે! કદાચ જગ્યા પરથી કોઈ પુરાવો મળી જાય? પોલીસ કાફલો પાછો જ્યાંથી કપાયેલા માનવ અંગો મળ્યા હતા. તે જગ્યા પર પહોંચ્યો. આસપાસના લારી-ગલ્લાવાળાની પૂછપરછ કરાઈ. રોડ નજીકના ઝાડી-ઝાંખરામાં પોલીસ કોન્સ્ટેબલો લાઠીથી કચરો આઘો-પાછો કરી પુરાવાની શોધ કરવા લાગ્યા. લગભગ દોઢ-બે કલાકની જહેમત બાદ પોલીસ ફરી એકવાર નિષ્ફળ રહી.

પોલીસ અધિકારીએ વીલા મોઢે ગાડીમાં બેસતા નિસાસો નાંખ્યો કે, આવું કેવી રીતે બને? ટ્રેનિંગ દરમિયાન શીખવાડવામાં આવ્યું હતું કે, ગુનેગાર કોઈ પુરાવો તો છોડી જ જાય છે. બસ તેને ઓળખવાનો હોય છે. આમાં ક્યાં ચૂક રહે છે કે, તે પુરાવો નથી મળતો! મનમાં ચાલતી આ ગડમથલ સાથે પોલીસ ગાડીઓ પોલીસ સ્ટેશન તરફ રવાના થઈ. હત્યાકાંડની કડીઓ શોધવાના વિચારોની ગડમથલમાં PSI પરમાર ગાડીમાં બેઠાબેઠા તંદ્રામાં સરી પડ્યા. દરમિયાન પરમારના મગજમાં વીજળી વેગે વિચાર ફરી વળ્યો. કોથળામાં માનવ અંગ હતા. તે કોથળો શેનો હતો? તે તો જોયું જ નહીં! આ વિચારે તેમની તંદ્રા તોડી, ગાડી હજુ રસ્તામાં જ હતી.

પરમારે ડ્રાઇવરને કહ્યું, થોડી ઝડપ રાખો ફટાફટ પોલીસ સ્ટેશન પહોંચવું છે. ગાડીએ ઝડપ પકડી. કાચા રસ્તા પર પાછળ ધૂળની ડમરીઓ ઉડાડતી દરવાજા વગરની એ જૂની પોલીસ જીપ પોલીસ સ્ટેશન આવી પહોંચી. PSI પરમારે ચેમ્બરમાં પ્રવેશતા જ તાબાના કોન્સ્ટેબલને બોલાવી હુકમ કર્યો કે, જેમાં લાશ મળી હતી તે કોથળો જોવો છે. પોલીસ સ્ટેશનના મુદ્દામાલ રૂમમાં કોથળો ખોલવામાં આવ્યો. લોહીથી ખરડાયેલા કંતાનના કોથળા પર લાલ રંગથી લખ્યું હતું. જામનગર મેરીટાઇમ બોર્ડ પાંચ દિવસમાં પહેલીવાર પોલીસને કોઈ નક્કર દિશા મળી હતી. પહેલીવાર આ હત્યાકાંડમાં તપાસની સોય હવે જામનગર તરફ વળી હતી. આ સમયે જામનગરના પોલીસ વડા સતિષ વર્મા હતા. તેમને આ અંગે જાણ કરાઈ. વર્માં પોતે પણ બ્લાઇન્ડ કેસ ડિટેક્શનના માસ્ટર. તેમની પોલીસ અધિકારી તરીકેની ઘણી વાતો આજે પણ જૂના અધિકારીઓ માનભેર કરે છે.

READ  રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બાળકોની સારવારમાં બેદરકારી! ડૉક્ટર ક્યારે આવે તેની ખબર નથી: નર્સ

રાજકોટ જિલ્લા પોલીસે જામનગર પોલીસ કંટ્રોલ રૂમને અરજન્ટ મેસેજ આપ્યો અને જિલ્લામાંથી લાપતા લોકોની માહિતી આપવા કહ્યું. બીજી તરફ સતિષ વર્માને પણ આ મુદ્દે જાણ કરાઈ હતી. વર્માએ જિલ્લાભરની પોલીસને મેસેજ આપી માળીયા પાસેથી મળેલા માનવ અંગના કેસમાં તપાસ કરવા હુકમ કર્યો. બીજી તરફ રાજકોટ કંટ્રોલરૂમનો રિપ્લાય બે કલાકની તપાસ બાદ જામનગર પોલીસે પરત આપ્યો. જામનગર કંટ્રોલે જણાવ્યું કે, તેમના જિલ્લાના એક પણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કોઈ ગુમ નથી થયું. આ આખરી કડી હતી મૃતકોને ઓળખવાની અને હત્યારાઓ સુધી પહોંચવાની તે પણ તૂટી ગઈ હતી. કોથળા પર જામનગરનું એડ્રેસ પીએસઆઈ પરમારને બેચેન કરી રહ્યું હતું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

વર્માએ પગપછાડતાં હાંકોટો કર્યો અને ભવાન સોઢા બોલ્યો, સાહેબ અશોકએ હત્યા કર્યાની શકાં છે. બીજી તરફ જિલ્લા એસ.પી. સતિષ વર્માનો હુકમ હોય જામનગરના પોલીસ અધિકારીઓ ટ્રીપલ મર્ડર કેસની તપાસમાં જોતરાઈ ગયા. આ સમયે જામનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનની દરબારગઢ ચોકીમાં PSI તરીકે વિષ્ણુદાન ગઢવી તહેનાત હતા. તેમણે પણ બાતમીદારોને બોલાવી ટ્રીપલ મર્ડર અંગે તપાસ શરૂ કરી હતી. તપાસનો દૌર રાજકોટથી હવે જામનગર પહોંચ્યો હતો. ઘટનાને પણ લગભગ એક મહિનો થવા આવ્યો હતો. દરમિયાન એક ઢળી ગયેલી સાંજે PSI વી.જે ગઢવી પોતાના એક જમાદાર સાથે ચોકીમાં હાજર હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ત્યારે તેમનો વિશ્વાસુ બાતમીદાર ચોકીમાં ધસી આવ્યો. બાતમીદાર પણ દિવસ આથમી ગયો હોય અંધારાનો લાભ લેવા આ સમય પસંદ કર્યો હતો. ચોકીની એક ટ્યૂબલાઇટના અંજવાળામાં બાતમીદારે PSI ગઢવી અને જમાદારને જોયા. ચોકીની સાઈઝ માંડ દસ બાય દસની હતી. છતાં જાણે અંદર બીજુ કોઈ નથીને? તેવી ખાતરી કરવા બાતમીદારે આમ-તેમ જોયું અને ગઢવીના ટેબલ નજીક આવ્યો. બે હાથ ટેબલ ટેકવીને મોંઢુ PSI ગઢવીની નજીક લઇ જવાનો પ્રયાસ કર્યો. બીજી તરફ ગઢવી પણ બાતમીદારની તરફ ઝુંક્યા. બાતમીદારે એ બે સિવાય કોઇ ન સાંભળી શકે એટલા ધીમા અવાજે કાનમાં કહ્યું, શ્રી સદનમાં ત્રણ જણની હત્યા થઈ છે! ગઢવીએ હવે બાતમીદારના મોંઢા નજકથી કાન હટાવ્યો અને એની સામે ડોળા કાઢી જોઇ રહ્યાં. બાતમીદારે ફરી કંઈક કહેવાનો પ્રયાસ કરતા ગઢવીએ કાન ધર્યો..! બાતમીદારે કહ્યું, એક વ્યંઢળ મળ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમદાવાદ: બહેરામપુરામાં પોલીસ પર પથ્થરમારો, સોશિયલ ડિસ્ટન્સ ન સાચવતા પોલીસે કરી હતી કાર્યવાહી

ગઢવી ખુરસીમાંથી ઉભા થઇ ગયા. તેમણે બાતમીદારને હાથનો ઇશારો કરતા પુછ્યું કંઈ જોઇએ છે? ગઢવીનો મતલબ હતો બાતમી આપી છે તો રૂપિયાની જરૂર છે. બાતમીદાર પણ ઉતાવળમાં હતો તેણે કહ્યું પછી મળીશ. બસ આટલુ બોલીને તે ઝડપથી ચોકીમાંથી નીકળી ગયો. સાંજ ઢળી ગઈ હતી, બાતમીદાર વિશ્વાસુ હતો અને માળીયા વાળો ટ્રીપલ મર્ડર કેસ તાજો હતો. ગઢવીએ ચોકીમાં બેઠેલા જમાદારને કહ્યું બેટરી લઇ લો આપણે આવીએ. ગઢવી કોન્સ્ટેબલને લઇને શ્રી નિવાસ બંગલો પહોંચ્યા. બંગલાની બહાર તાળું લટકતું હતું. પોલીસને જોઇને આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. તેમની તરફ જોઈ ગઢવીએ પુછ્યું ઘર ક્યારથી બંધ છે?

અંધારામાં એકઠી થયેલી ભીડમાંથી અવાજ આવ્યો, સાહેબ એકાદ મહિનો થઇ ગયો. તાળું જ છે. ગઢવીએ પૂછ્યું કોણ રહે છે? ફરી ટોળામાંથી એક મહિલાએ કહ્યું, રંજનબેન એમના દીકરા- દીકરી જોડે. એ ક્યાં ગયા છે એ પણ નથી ખબર. ગઢવીએ જમાદારને કહ્યું તાળું તોડી નાંખો. જમાદારે ભીડમાં કોઈને કહીને હથોડો મંગાવ્યો અને તાળું તોડી નાંખ્યું. શ્રીનિવાસ તે સમયે જામનગરનો આલીશાન ત્રણ માળનો બંગલો હતો. ગઢવી કોન્સ્ટેબલ સાથે ઘરમાં પ્રવેશ્યા ઘરનું લાઇટ બોર્ડ મળ્યું નહીં. તો કોન્સ્ટેબલે સાથે લીધેલી ટોર્ચ ચાલુ કરી. નીચેના રૂમમાં તો કંઇ ન મળ્યું. બધુ બરાબર હતું. પણ હાં, ઘર અસ્તવ્યસ્ત હતુ. કોઇએ નશો કર્યો હોય તેવા પુરાવા હતા. બન્ને બંગલામાંથી જ ઉપરના રૂમમાં જતી સીડી ચડ્યા. બહાર ભીડ જમા હતી અને ટોળામાં પોલીસ શું કરી રહી છે તેનું કુતૂહલ હતું.

બીજા માળે ચડતા જ લાદી પર થીજી ગયેલા લોહીના ડાઘા દેખાયા. ગંધ પણ વધવા લાગી. દીવાલો પર ઉડેલા લોહીનાં છાટાં શ્રી નિવાસમાં ખુની ખેલ ખેલાયાની ચાડી ખાઈ રહ્યાં હતા. પણ લાશ ક્યાં? ટોર્ચના અજવાળામાં રસોડા સુધી પહોંચેલા જમાદારની નજર ફ્રીજ નીચે લોહીના થીજેલા ખાબોચીયામાં પડી. ફ્રીજના દરવાજા પણ લોહીથી ખરડાયેલા હતા. જમાદારે ખીસ્સામાંથી રૂમાલ કાઢ્યો અને ફ્રીજનો દરવાજો ખોલ્યો. ઘરમાં લાઇટ નહોતી પણ જમાદારે ટોર્ચ જેવી ફ્રીજ તરફ કરી કે તેના મોઢામાંથી રાડ નીકળી ગઈ અને વીજળીનો ઝટકો લાગ્યો હોય તેમ પાછો ફેંકાઇ ગયો. ગઢવી રાડ સાંભળી તેમની નજીક પહોંચ્યા તો ફ્રીજમાં બે બાળકોના કપાયેલા માથા પડ્યા હતા. બન્ને તાત્કાલીક બંગલાની બહાર નીકળી ગયા. બાજુના એક ઘરના લેન્ડ લાઇન ફોનથી ઘટનાની જાણ જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમને અને સતિષ વર્માના બંગલે કરાઈ. કારણ રાત પડી ગઈ હતી અને ડીએસપી ઘરે પહોંચી ગયા હતા.

કંટ્રોલ રૂમને સંદેશો મળતા જ ગણતરીના સમયમાં જામનગરની બી-ડિવિઝનની પોલીસની ગાડીઓ શ્રી નિવાસ બંગલા પર ધસી આવી. પોલીસકર્મીઓ બંગલામાં ઘુસ્યા અને હવે શ્રી નિવાસની લાઇટો ચાલુ કરી તપાસ કરવામાં આવી. નીચેના રૂમમાંથી દેશી દારૂ ગાળવાના સાધનો મળ્યાં. નશો કરવાની વસ્તુઓ મળી. ઉપરના રૂમમાં લોહીનાં ડાઘ છે અભેરાઇ સુધી ઉડેલા જોવા મળ્યાં. હવે પોલીસ શ્રી નિવાસ બંગલાના ત્રીજા માળે પહોંચી. ત્યાં પણ આવા જ દ્રશ્યો. શ્રી નિવાસ એક આલીશાન બંગલામાંથી સ્મશાન બની ગયો હતો. પોલીસ હવે સીડીમાં લોહીના ડાઘ જોઈ છે. ધાબા પર પહોંચી. ત્યાં માસના સુકાઇ ગયેલા ટુકડા છે પાણીની ટાંકી સુધી ફેલાયેલા પડ્યા હતા.

READ  આજનું રાશિફળઃ આજના દિવસે ખર્ચનું ધ્યાન રાખવા સિવાય કોઈની સાથે વાદ-વિવાદ કરવાથી નુકસાન પહોંચી શકે છે

પોલીસકર્મીઓએ રાતના અંધારામાં ટોર્ચથી પાણીની ટાંકીમાં લાઇટ કરી. પાણી લાલ હતું અને માનવ અંગો તરતા હતા. પોલીસ સમજી ગઈ કે, અહીં મોટો હત્યાકાંડ થયો છે. ડીએસપી સતિષ વર્મા પણ દોડી આવ્યાં. બીજા દિવસે સવારે એફ.એસ.એલની પ્રાથમિક તપાસમાં કેટલાક માનવ અંગો લાપતા હોવાનું ખુલ્યું. રાજકોટ પોલીસને જાણ કરાઇ અને માળીયા પાસે કોથળામાંથી મળેલા માનવ અંગોના એફ.એસ.એલ રિપોર્ટ સાથે લઇ આવવા કહેવાયું. એફ.એસ.એલની તપાસમાં જાણવા મળ્યું કે, માળીયાના પુલ નજીક મળેલા માનવ અંગો શ્રી નિવાસ બંગલોમાં હત્યા કરાયેલી રંજનબેન શુકલા તેમના દીકરા દેવદત્ત અને દીકરી અવનીના જ છે.

પોલીસે આસપડોશના લોકોની પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે, જામનગરના જાણીતા વકીલ કે.પી શુક્લા શ્રી નિવાસમાં રહેતા હતા. તેમની પત્ની રંજનબેન એક સ્કૂલમાં શિક્ષક હતા. બે સંતાન સાથેનો ચાર લોકોનો પરિવાર ખુશખુશાલ હતો. પરંતુ કે.પી શુક્લાના આકસ્મિક અવસાન બાદ રંજનબેન જામનગરના કુખ્યાત અને પૂર્વ કોર્પોરેટર ભવાન સોઢાના સંપર્કમાં આવ્યાં હતા. ભવાન કે.પી શુક્લાના મોત બાદ લગભગ અહીં જ રહેતો હતો. પોલીસ કળી ગઇ કે નક્કી આ હત્યાકાંડમાં ભવાન સોઢાનો હાથ છે કારણ તે અગાઉ પણ અનેક ગુનામાં પકડાઇ ચુક્યો હતો. ગુનાહિત મનોવૃત્તિ ધરાવતા ભવાનને બપોર સુધીમાં જામનગરમાંથી જ શોધી કઢાયો. ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લઇ જવાયો ત્યાં ખુદ સતિષ વર્મા તેની પુછપરછ કરવા માટે પહોંચ્યા હતા.

જામનગર જેવા શહેરમાં ટ્રીપલ મર્ડર કેસની ઘટનાએ માત્ર જામનગર જ નહીં સૌરાષ્ટ્રને હચમચાવી મુક્યું. માળીયાથી શરૂ થયેલી ઘટના શ્રી નિવાસ બંગલા સુધી પહોંચી હતી. શંકાના આધારે ઉઠાવી લવાયેલા ભવાન સોઢાને પોલીસ સ્ટેશનમાં નીચે પલાંઠી વાળીને બેસાડાયો. સામે ખુરશીમાં સતિષ વર્મા બેઠા. આસપાસ પોલીસ અધિકારીઓ હાજર હતા. ભવાનની શ્રી નિવાસમાં રંજન અને તેના બે સંતાનોની હત્યા અંગે પૂછપરછ શરૂ કરાઈ. ભવાને કહ્યું, હું પણ સાહેબ તેને એક મહિનાથી શોધતો હતો. પણ ઘરની બહાર તાળું લટકતું જોઈ રોજ પાછો જતો હતો! ભવાનની આ વાત સાંભળી પોલીસને એક તબક્કે તો તેની વાત માનવા પર મજબૂર કરતી હતી. પરંતુ તેનો ભૂતકાળ તે જ હત્યારો હોવાની ચાડી ખાતો હતો.

ભવાનની વાત સાંભળીને વર્મા રોષે ભરાઈ ગયા. ખુરશીમાં બેઠાબેઠા જોરથી જમીન પર પગ પછાડ્યો અને બૂમ પાડતો છણકો કર્યો, સાચું બોલ. પોલીસ સ્ટેશનમાં વર્માના પગના પછડાટે સન્નાટો પ્રસરાવી દીધો. ભવાન ગભરાઇ ગયો. તેણે કહ્યું, સાહેબ અશોક ઉર્ફ ચપ્પાએ હત્યા કરી હોય એવી શંકા છે.

અશોક ઉર્ફ ચપ્પા પણ જામનગરનો નામચીન આરોપી. હવે આ હત્યા કેસમાં નવું એક પાત્ર જોડાયું અશોક ઉર્ફ ચપ્પા. પણ, અશોક ઉર્ફ ચપ્પા તો જેલમાં હતો. તો પછી……

ક્રમશઃ આગળની ઘટના આવતા ભાગમાં

FB Comments