ધરમપુરમાં બે લૂંટારુઓ આંગડીયા પેઢીમાં લૂંટ કરવા આવ્યા, લોકોને જાણ થતા જાહેરમાં જ ઢોર માર માર્યો

વલસાડ જિલ્લાના ધરમપુરમાં ધોળેદિવસે આંગડિયાની પેઢીમાં  હથિયારની અણીએ લૂંટ કરવા પહોંચેલા લૂંટારૂઓ ઝડપાઈ ગયા છે. આંગડિયા પેઢીમાં કર્મચારીની એકલતાનો લાભ લઇ દેશી તમંચા સહિતના હથિયારો  સાથે પહોંચેલા લૂંટારૂની લૂંટની યોજના નિષ્ફળ ગઈ અને લાખોની લૂંટ કરવાના ઈરાદા પર પાણી ફરી વળ્યુ હતુ.

વલસાડ જિલ્લાના ધરમપુરના લવજી ગલી વિસ્તારમાં આ ઘટના બની છે.  શહેરના મધ્યમાં આવેલી લવજી ગલીનો આ વિસ્તાર દિવસે સતત ધમધમતો રહે છે.આ ગલીમાં આંગડિયા પેઢીની અનેક ઓફિસો આવેલી છે.આ બજારના પ્રથમ માળે આવેલી વી.પી આંગડિયા અને કુરિયર સર્વિસ ની આવેલી આ ઓફિસમાં આજે કર્મચારી એકલો હતો. એ વખતે જ 2 અજાણ્યા વ્યક્તિઓ આંગડિયા પેઢીમાં પ્રવેશે છે અને ત્યારબાદ તેઓની શંકાસ્પદ હિલચાલ અને ત્યાર બાદ થોડી જ વારમાં હથિયાર કાઢી લૂંટનો પ્રયાસ કરવા જાય છે.

 જોકે પરિસ્થિતિ પારખી ગયેલા આંગડિયા કર્મચારી એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના લૂંટારૂને ધક્કો મારી બૂમાબૂમ કરી બહાર દોડ્યો હતો. પરિસ્થિત પારખી ગયેલ લૂંટારૂ પણ લૂંટની યોજના પડતી મુકી બહાર ભાગ્યા હતા. જોકે દોડાદોડીમાં એક લૂંટારુના હાથમાંથી  દેશી તમંચા જેવું હથિયાર નીચે પડી ગયું હતું. જે લઇ ને તે પણ ભાગ્યો હતો અને નીચે ઊતરતી વખતે  આંગડિયા કર્મચારીની બૂમો સાંભળી  આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા. બિલ્ડિંગની નીચે ઉતરી ભાગતા લૂંટારુઓને લોકોએ આબાદ ઝડપી પાડયા હતા.  

આમ આંગડિયા કર્મચારીની સમયસૂચકતાને કારણે લૂંટારૂઓને  લોકોએ આબાદ ઝડપી લીધા અને ત્યારબાદ જાહેરમાં બંને લૂંટારુઓની બરાબરની સરભરા કરી હતી. ઢોર માર માર્યો હતો. ત્યાર બાદ પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ ધરમપુર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને બંને લુટારુઓનો કબજો લઈ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા અને આગળ તપાસ હાથ ધરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બંને લૂંટારુઓ પાસેથી બે દેશી તમંચા અને એક ધારદાર હથિયાર પણ મળી આવ્યું છે. બંને આરોપીઓની આગવી ઢબે પોલીસે પૂછપરછ કરતાં લૂંટની ઘટનાનો પ્લાન પોપટની જેમ બોલી ગયા હતા. અત્યારે બંને લુટારુઓ ધરમપુર પોલીસના કબજામાં છે. લૂંટારુ તવસર અને ગુલઝાર મૂળ ઉત્તરપ્રદેશ વતની  છે. આ લૂંટનો માસ્ટરમાઈન્ડ  મોહમ્મદ યુસુફ હોવાનો  બહાર આવ્યું છે. જે ધરમપુરમાં જ એક ટેલર ની દુકાન ચલાવે છે. જેમની વિરુદ્ધ ગુનો નોંધી ધરમપુર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આમ લૂંટ કરવા જતા રંગેહાથ ઝડપાઇ જતાં લૂંટારુઓની લૂંટની યોજના પર પાણી ફરી વળ્યું હતું અને લોકોના હાથે ઝડપાઈ બરોબરનો મેથીપાક ચાખવાનો વારો આવ્યો હતો.અત્યારે બંને હવાલાત ની હવા ખાઇ રહ્યા છે. ધરમપુરમાં અગાઉ પણ થયેલી આવી સનસનીખેજ લૂંટમાં આ આરોપી લૂંટારોઓ સામેલ હતા કે કેમ ?? તે અંગે પણ ધરમપુર પોલીસે તપાસ હાથ ધરી છે.

Gaam Na Samachar: Latest Happenings From Your Own District : 22-07-2019 | Tv9Gujarati

FB Comments

Sachin Kulkarni

Read Previous

કોંગ્રેસનો આરોપ, કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીએ પોતાના સાસંદ ફંડનો દૂરુપયોગ કર્યો

Read Next

ઈંગ્લેન્ડની નોકરીને અલવિદા કહીને! પોરબંદરના બેરણ ગામમાં ઍર હોસ્ટેસ પત્ની હવે ભેંસ દોહે છે અને ટુરિઝમ મેનેજમેન્ટ કરનાર પતિ ખેતરમાં કામ કરે છે

WhatsApp પર સમાચાર