દુબઈની રાજકુમારીનો વિવાદ! જે ઘરેથી ભાગી, હાલ પાછી દુબઈમાં હોવાનો દાવો અને સંડોવાયું ભારતનું નામ!

એક સમય હતો કે જ્યારે બ્રિટનની રાજકુમારી ડાયના આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં રહેતી. ડાયનાની મોતને બે દાયકાઓ જેટલો સમય વીતી ગયો છે ત્યારે હવે એક અન્ય રાજકુમારી ઈન્ટરનેશનલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે. આ રાજકુમારીનું નામ શેખા લતીફા છે જે દુબઈના શાસકની દીકરી છે.

રાજકુમારી ડાયના બાદ હવે અન્ય એક રાજકુમારી વિવાદોના કારણે વિશ્વભરના મીડિયાનું નામ પોતાના તરફ ખેંચી રહી છે. આ છે દુબઈની 33 વર્ષીય રાજકુમારી એટલે શેખા લતીફા જેણે 7 વર્ષો સુધી તૈયારી કરીને પોતાના દેશમાંથી ભાગી જવામાં સફળતા તો હાંસિલ કરી લીધી પરંતુ તેની આઝાદી ફરી છીનવાઈ ગઈ. આ રાજકુમારીની લિંક ભારત અને હાલમાં ભારત લાવવામાં આવેલા ઓગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઈપી ડીલના કથિત આરોપી બિચોલિએ ક્રિશ્વિયન મિશેલ સાથે પણ જોડવામાં આવી રહ્યું છે. જોકે તાજા જાણકારી પ્રમાણે દુબઈએ દાવો કર્યો છે કે રાજકુમારી પોતાના પરિવાર સાથે છે.

દુબઈના શાસક શેખ મહોમ્મદ બિન રશિદ અલ-મક્તૂમની કોર્ટે એક સ્ટેટમેન્ટ જાહેર કર્યું જેમાં કહેવાયું છે કે રાજકુમારી શેખા લતીફા દુબઈમાં છે અને સુરક્ષિત છે. રાજકુમારીના જન્મદિવસની ઉજવણી પણ સપરિવાર કરવામાં આવશે.

શું છે દુબઈની રાજકુમારીનો વિવાદ?

રાજકુમારી શેખા લતીફા દુબઈના શાસક અને યુએઈના પ્રધાનમંત્રી શેખ મહોમ્મદ બિન રાશિદ અલ મક્તૂમની દીકરી છે. રાજકુમારી લતીફા, અલ મક્તૂમના 30 બાળકોમાંથી એક છે. બીબીસીની ડોક્યુમેન્ટ્રી પ્રમાણે લતીફાએ સળંગ 7 વર્ષો સુધી દુબઈથી ભાગી જવાની તૈયારી કરી હતી. હવે જ્યારે દુબઈ કોર્ટ તરફથી રાજકુમારી પરત ફરી હોવાનો દાવો કરાયો ત્યારે એક ફ્રેન્ચ જાસૂસ પર પણ લતીફાના અપહરણનો આરોપ લાગ્યો છે.

આ પણ વાંચો: અમદાવાદની જનતાને રાજ્ય સરકાર આપશે નવા વર્ષની સૌથી મોટી ભેટ, સમય અને પૈસા બંનેની થશે બચત

દુબઈ શાસકની બીજી દીકરી જેણે ભાગી જવાની કરી કોશિષ

લતીફા પહેલા પણ દુબઈ શાસકની અન્ય એક દીકરી ભાગવાની કોશિષ કરી ચૂકી છે. આ ઘટના થોડી જૂની છે. લતીફાથી મોટી રાજકુમારી શમ્સાએ વર્ષ 2000માં ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. થોડા અઠવાડિયા બાદ 19 વર્ષીય શમ્સાને કેમ્બ્રિજથી પકડીને દુબઈ લાવવામાં આવી હતી. આ મામલો હજી પણ વણઉકેલ્યો છે કારણ કે યુકેની પોલીસને આજ સુધી તપાસ માટે દુબઈ આવવાની અનુમતિ નથી મળી. ભાગવાની કોશિષ કર્યા બાદ શમ્સા આજ સુધી સાર્વજનિક જીવનમાં નથી દેખાઈ. શમ્સા બાદ લતીફાને સાત વર્ષો દરમિયાન કેટલીયે વાર ભાગવાના નિષ્ફળ પ્રયત્ન કર્યાં, જેમાંથી એક વાર તે સફળ રહી.

16 વર્ષની ઉંમરમાં જ રાજકુમારી લતીફાએ કર્યો હતો ભાગવાનો પ્રયાસ

દુબઈની આ બીજી રાજકુમારીએ 16 વર્ષની ઉંમરમાંજ ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ભાગતા પહેલા તેણે પોતાનો એક વીડિયો બનાવ્યો હતો અને ઘણાં કિસ્સાઓ સંભળાવ્યા હતા. લતીફાના કહેવા પ્રમાણે તે સમયે તેને પકડી લેવામાં આવી હતી અને ત્રણ વર્ષ સુધી જેલમાં ટોર્ચર કરવામાં આવી હતી. લતીફાએ વીડિયોમાં પોતાના પિતાને ઘણાં ક્રૂર ગણાવ્યા હતા. અને ત્યારબાદ લતીફાએ બીજી વખત સાવધાનીપૂર્વક તૈયારી કરી.

ફ્રાન્સના પૂર્વ જાસૂસ અને માર્શલ આર્ટ ટ્રેઈનર દોસ્તે કરી ભાગવામાં મદદ

રાજકુમારી લતીફા પોતાની ટ્રેઈનર સાથે
રાજકુમારી લતીફા પોતાની ટ્રેઈનર સાથે

બીબીસીની ડોક્યુમેન્ટ્રી પ્રમાણે ફ્રાન્સના એક પૂર્વ જાસૂસ હર્વ જૉબર્ટ તેમજ માર્શલ આર્ટ ટ્રેઈનર દોસ્ત ટીનાએ લતીફાને ભાગવાની મદદ કરી હતી. ડોક્યુમેન્ટ્રીમાં ટીનાએ કહ્યું છે કે તે 2014માં દુબઈના શાહી આવાસમાં લતીફાને બ્રાઝિલની માર્શલ આર્ટ શીખવાડવા ગઈ હતી. તેના સંપર્કમાં આવ્યા બાદ લતીફાએ ભાગવા માટે તેની પાસે મદદ માગી. લતીફા આ સમય દરમિયાન જ પૂર્વ ફ્રેન્સ જાસૂસ હર્વના સંપર્કમાં પણ હતી.

લતીફા પોતાની ટ્રેઈનરની સાથે એક નાનકડી રબરની હોડી પર સવાર થઈને સમુદ્રના રસ્તે નીકળી પડી. લહેરોનો સામનો કરીને તેઓ કોઈ પણ રીતે સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય સીમામાં પહોંચવામાં સફળ રહી. જ્યાં હર્વ અમેરિકી ઝંડાવાળી બોટ લઈને તેમની રાહ જોઈ રહ્યો હતો. લતીફાને લાગ્યું કે હવે તેને દુબઈના રાજવી પરિવારમાં થતી કથિત ક્રૂરતાથી મુક્તિ મળી જશે, પરંતુ અહીં તે ખોટી હતી.

અહીંથી શરૂ થાય છે ભારતની એન્ટ્રી

લતીફા ફ્રેન્ચ જાસૂસની બોટ પર સવાર થઈ સફરમાં નીકળી પડી. ગાર્જિયને ડોક્યુમેન્ટ્રીના આધારે તૈયાર કરાયેલા રિપોર્ટમાં કહ્યું છે કે આ બોટ ભારત તરફ વધતી હોય છે. લતીફાને એવું લાગે છે કે ત્યાં તે સુરક્ષિત રહેશે. ભારત પહોંચીને લતીફાએ ફ્લોરિડાની ફ્લાઈટ લેવાની યોજના બનાવી હતી. લતીફા ફ્લોરિડામાં રાજનૈતિક શરણ લેવા માગતી હતી. કહેવાઈ રહ્યું છે કે ગોવા તટથી માત્ર 30 મીલ પહેલા જ લતીફાને પકડી લેવાઈ.

ટેલિગ્રાફના રિપોર્ટ પ્રમાણે ત્રણ ભારતીય અને બે અમીરાતી યુદ્ધક પોતોએ તેમની બોટને ઘેરી લીધી. ફ્રેન્ચ જાસૂસે દાવો કર્યો કે તેમની અને બોટ પર સવાર ક્રૂ સાથે મારપીટ કરી કમાન્ડો લતીફાને સાથે લઈને ચાલ્યા ગયા. મીડિયા રિપોર્ટ્સના ભારતીય કોસ્ટગાર્ડે લતીફાને પોતાની પાસે રાખી. જોકે હવે સૂત્રોના હવાલે એવી પણ ખબરો આવી રહી છે કે ભારત દ્વારા દુબઈ ભાગી ગયેલી રાજકુમારી લતીફાને પાછી આપવાની અવેજીમાં ઓગસ્ટાના કથિત બિચૌલિએ ક્રિશ્વિયન મિશેલનું પ્રત્યાર્પણ થયું છે.

માર્ચ બાદ હજી સુધી નથી દેખાઈ લતીફા, યુએનની સંસ્થાએ ભારતને લખ્યો પત્ર

માર્ચ બાદ લતીફાને કોઈએ જોઈ નથી કે ન તો તેના વિશે કોઈએ સાંભળ્યું છે. પોતે પકડાઈ ગઈ તે પહેલા એક વીડિયોમાં તેણે કહ્યું હતું,

“જો તમે આ વીડિયો જોઈ રહ્યાં છો તો કાં તો હું મરી ચૂકી છું અથવા તો ખૂબ ખરાબ હાલતમાં છું.”

લતીફાના વકીલોને યૂએનને આ મામલે દખલ કરવાની અપીલ કરી અને રાજકુમારી ગાયબ થઈ તે પાછળ ભારત અને યૂએઈને જવાબદાર ગણાવ્યા. એમનેસ્ટીનો આરોપ છે કે,

“ભારતના કમાન્ડોએ બોટ પર હાજર તમામને બંદૂકની અણીએ ચૂપ રહેવાનું કહ્યું અને શેખાને લઈ ગયા જ્યારે તે રાજનૈતિક શરણની માગ કરી રહી હતી.”

હવે સંયુક્ત રાષ્ટ્રની એક સંસ્થાએ લતીફા વિશે ભારતને પત્ર લખ્યો છે. આ વચ્ચે, દુબઈ સરકારે એક સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે કે લતીફા પોતાના પરિવારની સાથે છે. જોકે ભારતના વિદેશ મંત્રાલયે અને ભારતીય તટરક્ષક બળે હાલ પૂરતું આ મામલે કોઈ જ ટિપ્પણી નથી કરી.

Did you like this story?

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Maharashtra : Police lathicharge people protesting on railway tracks over Pulwama attack- Tv9

FB Comments

Hits: 1375

Comments are closed, but trackbacks and pingbacks are open.