5 બેઠકની પેટા ચૂંટણી જીતવા ક્યાંક ભાજપ 4 લોકસભાની સીટ તો નહીં હારી જાય ને! ભાજપ હાઈ કમાન્ડમાં ચિંતાનો માહોલ

ભાજપ પક્ષમાંથી 26 લોકસભા સીટોના નામો અત્યારે જાહેર પણ નથી થયા અને અનેક જિલ્લાઓમાં વિવાદ શરુ થઇ ગયો છે. જેના લીધે હવે ભાજપની પેટા ચૂંટણીઓ પર તો અસર પડશે સાથે તેની અસર 4 જેટલી લોકસભા સીટો ઉપર પણ વર્તાય તેવી સંભાવના ઉભી થઈ છે.


ઉમેદવાર જાહેર થાય તે પહેલા વિવાદ શરુ

ગુજરાતમાં લોકસભાની 26 સીટો જીતવા માટે ભાજપે કોંગ્રેસના 4 ધારાસભ્યોને તોડ્યા અને 1 બેઠક ઉપર સજાના કારણે કોંગ્રેસના ધારાસભ્યને રદ્દ કરી દેવામાં આવ્યા.  હવે લોકસભાની સાથે 5 વિધાનસભામાં પણ પેટા ચૂંટણી યોજાશે.  લોકસભાની સાથે જ ભાજપે આ 5 વિધાનસભાની પેટા ચૂંટણી જીતવાનો પણ વ્યુહ બનાવી દીધો છે. પેટા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી પણ તૈયાર થઇ રહી છે.  પરંતું આ યાદી તૈયાર થાય તે પહેલા જ 5 વિધાનસભામાં વિવાદો શરુ થઇ ગયા છે જેની વિપરીત અસર ઓછમાં ઓછી 4  લોકસભા સીટો ઉપર પણ પડવાની સંભાવના વર્તાઇ રહી છે. જેના લીધે ભાજપના હાઈકમાન્ડમાં ચિંતાનો માહોલ છે.

નારાજ ગૈંગ થઇ એક !

વાત ઉંઝાની કરીએ તો લોકસભા સીટ માટે જયશ્રીબેન પટેલનું પત્તું કપાશે અને રાજ્યના પુર્વ ગૃહ રાજ્ય પ્રધાન રજની ભાઇ પટેલને ટીકીટ મળશે તેવા વાતાવરણનું નિર્માણ થયું છે. પહેલા કહેવાતું હતું કે કોગ્રેસના પુર્વ ધારાસભ્ય આશાબેન પટેલને પાર્ટી ટીકીટ આપવા જઇ રહી છે પણ સુત્રો કહી રહ્યાં છે કે હવે તેમને ઉંઝામાં જ પાર્ટી પેટા ચૂંટણી લડાવવાના મુડમાં છે.  આ વાત જાહેર થતા જ ઉંઝાની રાજનીતિમાં ભડકો થયો છે. જે કેશુભાઇ પટેલ આશાબેન પટેલને કોગ્રેસમાંથી ભાજપમાં લઇ આવ્યા હતા તેઓએ જ હવે ઉંઝા બેઠકથી પેટા ચુટણી લડવા માટે દાવેદારી નોધાવી છે. નારાણ લલ્લુ પટેલ, હરિભાઇ પટેલ અને કેશુભાઇ પટેલ એક થઇને એક સુરમાં વિરોધ કરી રહ્યાં છે કે હવે આશા પેટલ ના જોઇએ. જો આશાબેન પેટલને ટિકીટ અપાઈ તો પટેલો કોંગ્રેસ તરફી જઇ શકે છે જેનું નુકશાન મહેસાણા લોકસભા બેઠક ઉપર પણ થઇ શકે છે. આમ ભાજપ માટે આ બેઠકને લઈને કપરા ચઢાણ છે.

જુનાગઢમા જવાહરને લઈને ઝઘડો

જુનાગઢની વાત કરીએ તો માણાવદર અને તલાલામાં પણ પેટા ચૂંટણી છે.  માણાવદરથી જવાહર ચાવડા હવે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે.  અહીં આહીર સમાજ બાદ પાટીદારોનો દબદબો છે.  પાટીદાર આંદોલનને કારણે પાટીદારોએ ભાજપના વિરોધમાં જઈને જવાહર ચાવડાને જીતાડ્યા હતા ત્યારે હવે સ્થાનિક ભાજપ નેતાઓને ડર લાગી રહ્યો છે કે જો જવાહર ચાવડા જામી જાય તો તેની વર્ષો જુની રાજનીતિનુ શું થશે?  જેથી તેઓ અંદરખાને પોતાની નારાજગી હાઇકમાન્ડને પહોચાડી ચૂક્યાં છે અને જવાહર ચાવડા માટે કામ નહી કરે તેવી ચિમકી પણ આપી ચુક્યા છે.  તેવી જ રીતે તલાલામાં ભગવાન બારડને ધારાસભ્ય પદથી હટાવવામાં આવ્યા છે તો આહીર સમાજ નારાજ થયો છે.એક તરફ પાટીદાર અને બીજી તરફ જો આહીરો નારાજ થાય તો જુનાગઢ સીટ ભાજપ માટે જીતવી મુશ્કેલ બની શકે છે. આમ જવાહરના આગમનથી પાર્ટીમાં નવો વિવાદ શરુ થઈ ગયો છે.


હાર્દિક આપી શકે છે ટેન્શન !

જામનગર લોકસભા સીટની વાત કરીએ તો ભાજપે અહીંનું ઓપરેશન 2017થી કર્યુ હતું.  જેમાં કોંગ્રેસમાંથી પાટીદાર આગેવાન રાઘવજી પટેલ, ક્ષત્રિય નેતા ધરમેન્દ્રસિંહ જાડેજાને કોંગ્રેસમાંથી ભાજપમાં લઈ આવ્યા છે. જ્યારે 2017ના ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર સથવારા જ્ઞાતિના વલ્લભ ધારવિયાએ રાઘવજી પટેલને હરાવી દીધા,ત્યારે ભાજપે લોકસભા ચૂંટણી પહેલાં વલ્લભ ધારવિયાને પણ ભાજપમાં બોલાવી લીધા.સીધી વાત કરીએ અહીંથી હાર્દિક પટેલ ચૂંટણી લડશે તેવી તેને  જાહેરાત કરી દીધી છે પણ ચૂંટણી લડશે જ તે સ્થિતિ સ્પષ્ટ થઈ શકી નથી.  હાલમાં હાર્દિક પટેલ અહી પ્રચાર કરી રહ્યો છે. આ સમયે જો કોંગ્રેસ અહી જામનગર ગ્રામ્યમાં કોઈ પાટીદાર ચહેરાને ટીકીટ આપે તો તેની વિપરીત અસર ભાજપની જામનગર સીટ ઉપર જીતના માર્જીનને લઈને થઈ શકે તેવી સંભાવના છે. આથી ભાજપની સામે આ સીટ પણ પડકાર બનીને ઉભી છે. જેનું મુખ્ય કારણ પાટીદાર નેતા હાર્દિક પટેલ છે.

 

 

પાટીદાર અને કોળી સમાજની નારાજગી બગાડી શકે છે ગણીત !

સુરેન્દ્રનગર બેઠક પર કોંગ્રેસને હંફાવવા માટે ધાંગ્રધાના કોંગ્રેસી ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાને તેમના ઉપર આપરાધિક કેસ હોવા છતા ભાજપે તેમને સુરેન્દ્રનગર બેઠક  મજબુત કરવા માટે પોતાની સાથે જોડી લીધા છે. હવે ત્યાં સ્થાનિક કક્ષાએ પુરુષોત્તમ સાબરિયાનો વિરોધ કોંગ્રેસના કાર્યકર્તા તો કરી રહ્યા છે સાથે  સ્થાનિક ભાજપના કાર્યકર્તાઓ પણ વિરોધ કરી રહ્યા છે. સ્થાનિક અગ્રણીઓ માની રહ્યાં છે કે  પહેલા આ બેઠક પર આઇ.કે જાડેજા હતા તે પછી અહીથી જંયંતિ કવાડીયા ચૂંટણી લડ્યા અને પછી જંયતિ કવાડીયાને હરાવીને કોંગ્રેસના વલ્લભ સાબરિયા જીત્યા હતા.  ધ્રાંગધામાં કોળી પટેલ અને પાટીદાર આમ બન્ને સમાજના મતદારોનો પ્રભાવ છે. 2017માં પાટીદાર લહેરમાં અહીંથી કોગ્રેસના ઉમેદવાર હતા તો તેને લઈને હવે સ્થાનિક કક્ષાએ માંગ ઉઠી છે કે જો ધાંગ્રધાની પેટા ચૂંટણીમાં ભાજપ જો પાટીદાર ઉમેદવાર મુકે અને લોકસભામાં કોળી ઉમેદવાર મુકે તો બન્ને કોમ્યુનિટી સચવાઇ શકે તેવા એંધાણ છે કારણ કે કોંગ્રેસ હવે લોકસભામાં કોળી ઉમેદવાર ઉતારશે અને ભાજપ ધાંગ્રધાથી કોળી ઉમેદવાર ઉતારશે તો પાટીદારો નારાજ થશે. જેનો લાભ અનાયાસે જ કોંગ્રેસને મળવાની સંભાવના છે.

150ની સામે 99 તો 26માંથી કેટલી ?

આમ હાલ ભાજપે ડેમેજ કંટ્રોલ કરવા માટે કવાયત તો શરુ કરી દીધી  છે પણ જે રીતે સ્થાનિક કાર્યકર્તાઓ નારાજ છે તેનો લાભ કોંગ્રેસને મળી શકે છે. ત્યારે હવે આ બાબતની નોંધ દિલ્હી હાઇ કમાન્ડ સુધી લેવામાં આવી રહી છે. કારણ કે 2017ના ઇલેક્શનમા ભાજપે 150 સીટ જીતવાનું  લક્ષ્ય રાખ્યું હતું પણ જે રીતે કોંગ્રેસના 12 બાગીઓને ટિકીટ અપાઈ હતી તેમાં માત્ર સી કે રાઉલજી અને ધર્મેન્દરસિંહ જાડેજા સિવાય તમામ કોંગ્રેસના બાગીઓ હારી ગયા હતા. આમ કોંગ્રેસમાંથી આવેલાં નેતાઓએ ભાજપને નિરાશાજનક પરિણામ આપ્યું જેનાથી  150 સીટના લક્ષ્યાંકની સામે ભાજપને  99 સીટ જ મળી હતી.  તેમાં સ્પષ્ટ કારણ એ હતું કે ભાજપના નારાજ કાર્યકર્તાઓ કોંગ્રેસને તો મત નથી આપ્યા પણ તેઓ નિષ્ક્રીય થઈ ગયા જેના લીધે ભાજપને આપેલાં લક્ષ્યાંક સુધી પહોંચવામાં મુશ્કેલી સર્જાઈ.  આ વખતે પણ આવી જ સ્થિતિ સર્જાવાની ભીતી વ્યક્ત કરાઇ રહી છે અને તેને લઈને હવે હાઈ કમાન્ડ પણ ચિંતામાં છે તો સાથે ડેમેજ કંટ્રોલ પણ શરુ કરી દેવાયું છે.

 

A'bad:Case of doctor slapped by dead patient's kin in Civil hospital; Doctors call off their strike

FB Comments

Anil Kumar

Read Previous

વલસાડની મોગરાવાડી પોસ્ટ ઓફિસને લાગ્યા તાળા, હજારો લોકોને કામકાજ માટે 5 કિલોમીટર સુધી ધક્કા ખાવા પડી રહ્યાં છે

Read Next

ચૂંટણી આવતા તહેવારોમાં પણ રાજકીય રંગ, ભરુચમાં હોલિકા દહનમાં ‘મૈં ભી ચોકીદાર’ થીમ પર તૈયાર કરાયેલી રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની

WhatsApp પર સમાચાર