સ્માર્ટ સીટી સુરતમાં પણ લોકો પાણી માટે ટળવળે છે, આ વિસ્તારમાં તો 25 વર્ષથી પાણીની પાઈપલાઈન જ નથી!

સુરત શહેરમાં ભલે સ્માર્ટ સીટી બની ગયું પણ અને ગમે તેવું દેશ અને વિદેશોમાં પ્રસિદ્ધી મેળવી રહ્યું હોય પણ સુરતના એક વિસ્તારમાં હજી મનપા પાણી નથી પહોંચાડી શકી.  સુરતના ડીંડોલી વિસ્તારમાં લોકો પીવાના અને અન્ય ઘરકામના પાણી માટે ટેન્કર પર નિર્ભર છે અને 25 વર્ષ ત્યાં કોઈ પાણીની લાઈન નાખવામાં આવી નથી. 

છેલ્લા 25 વર્ષોમાં સુરત શહેરની કાયાપલટ થઈ છે. સુરતનો વિકાસ ઉડીને આંખે વળગે એવો થયો છે. આટલા વર્ષોમાં સુરતે બ્રિજની સંખ્યામાં સદી વટાવી છે.  સ્માર્ટ કોર્પોરેશનનું બિરુદ મેળવ્યું છે. દેશના સૌથી ઝડપથી વિકસતા જતા શહેરોમાં નામના મેળવી છે પણ આ જ શહેરનો એક વિસ્તાર એવો પણ છે જે 25 વર્ષ પછી પણ પીવાના પાણીની લાઈન માટે રાહ જોઈ રહ્યો છે. પાણીના એક ગ્લાસની કિંમત સુરતના ડીંડોલી વિસ્તારની આ સોસાયટીના લોકો સારી રીતે સમજે છે કારણ કે છેલ્લા 25 વર્ષથી અહીં પીવાના પાણીની સુવિધા જ ઉભી કરવામાં આવી નથી.

ડીંડોલી વિસ્તારમાં આવેલા બાલાજીનગર, ન્યુ બાલાજીનગર, શિવનગર, શોભનાથ સોસાયટી સહિતની સોસાયટીઓમાં 1000થી વધુ લોકોના પરિવાર રહે છે. ડીંડોલી વારિગૃહની બાજુમાં જ આ સોસાયટીઓ આવેલી છે છતાં કઠણાઈ એ છે કે આ સોસાયટીઓના રહીશોને પીવાના પાણી માટે હજીપણ ટેન્કર પર આધાર રાખવો પડી રહ્યો છે. પાણીનું નેટવર્ક નહિ હોવાના કારણે લોકોને પાણી પહોંચાડવા માટે દરરોજ 6 દિવસ  કોર્પોરેશન ચાર ટેન્કરો મોકલાવે છે. રવિવારે રજા હોવાથી ટેન્કર આવતા નથી જેથી તેઓને પાણી વિના જ ટળવળવું પડે છે. પીવાના પાણી માટે લોકો ટેન્કરની રાહ જોવે છે અને જ્યારે ટેન્કર આવે ત્યારે પાણી લેવા માટે ભારે ભીડ જામી જાય છે.

છેલ્લા 25 વર્ષથી પણ વધુ સમયથી લોકો અહીં રહે છે. નિયમિત વેરાબીલ અને લાઈટબીલ ભરે છે. છતાં પણ પાણી જેવી પ્રાથમિક સુવિધા આપવામાં પાલિકાનો સ્માર્ટ વહીવટ નબળો સાબિત થયો છે. પાણી સહિત સ્ટ્રીટલાઈટ,શૌચાલય અને સફાઈની સમસ્યા તો ખરી યથાવત જ છે.  આ બધાની વચ્ચે લોકોની મૂળ અને ગંભીર સમસ્યા પાણી નહિ મળવાની છે. જે બાબતે કોઈ કાયમી ઉકેલ આવે તેની મા ગ તેઓ કરી રહ્યા છે.  પરિસ્થિતિ તો અહીં એવી પણ છે કે મીઠા પાણી માટે તેઓ ટેન્કર માટે ટળવળી રહ્યા છે. તો કપડાં,વાસણ સહિત ઘરના અન્ય કામો માટે ખારા પાણી માટે પણ તેઓ બોરિંગવાળાને 200 રૂપિયા ખર્ચીને પાણી ખરીદી રહ્યા છે. ક્યારેક મીઠું પાણી ન મળે તો તેઓ ખારા પાણીનો જ પીવાના પાણી તરીકે ઉપયોગ કરી લે છે.

એવું નથી કે સ્થાનિકોની આ ફરિયાદ વિશે પાલિકા તંત્રને જાણ નથી પણ 25 વર્ષોમાં સુરત મનપાનું તંત્ર પોશ વિસ્તારમાં જ વિકાસના કામો અને બ્યુટીફીકેશનમાં જ એટલું વ્યસ્ત હતું કે તેઓને આ વિસ્તાર તરફ ધ્યાન જ નથી ગયું.  અધિકારી સાથે વાત થયા પ્રમાણે આ સોસાયટીમાં સીધો એપ્રોચ એવેલેબલ નથી. હજીપણ પાલિકાના અધિકારીઓ આ સમસ્યાના નિરાકરણ માટે વચ્ચેનો રસ્તો કાઢવાનો વિચાર કરી રહ્યા છે.

 

 

સુરત મનપા પાણીનું મહત્વ સમજે છે અને એટલા માટે જ જળ એ જ જીવન છે એ સૂત્ર આપીને લોકોને પાણીનું મૂલ્ય સમજાવવા કામ કરી રહી છે પણ સાચા અર્થમાં જોવા જઈએ તો જળ એ જ જીવનનું સૂત્ર મનપા તંત્રને સમજવાની જરૂર છે.  જેથી આ પરિવારોને પાણીની જરૂરિયાત પૂરી થઈ શકે. જો તેમ ન થાય તો આ વિસ્તારના સ્થાનિકોએ આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાનું નક્કી કરી લીધું છે.

Ahmedabad: Money lender held for harassing borrower- Tv9

FB Comments

Parul Mahadik

Read Previous

મેરીટમાં આવે તે IAS અને IPS બને છે, જે ત્રણ વખત નાપાસ થાય તે મંત્રી બને છે: નીતિન ગડકરી

Read Next

મોદી સરકારનો વિરોધ કરવા જતાં રાહુલ ગાંધીની જીભ લપસી, ‘મસુદ અઝહર’ બોલવાના બદલે બોલી દીધું ‘મસૂદ અઝહરજી’

WhatsApp chat