1 મહિના પહેલા જ વસ્ત્રાલ તળાવનું લોકાર્પણ કરવામાં આવ્યું, ગંદકીના લીધે આજે ત્યાં કોઈ પગ મુકવા પણ તૈયાર નથી

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં થોડા સમય પહેલા જ ગુહપ્રધાન પ્રદિપ સિંહ જાડેજા દ્વારા સ્થાનિકોને સારી સવલતો મળી રહે તે માટે વસ્ત્રાલ તળાવનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. જો કે લોકાર્પણ કરાયેલુ તળાવ 1 જ મહિનામાં સ્થાનિકો માટે મુશ્કેલી સર્જી રહ્યું છે.

જેને કારણે કોઈ સ્થાનિકો આ તળાવમાં આવવાનું પસંદ કરતા નથી. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં મેટ્રો ટ્રેનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ધાટન કરે તે પહેલા જ રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા દ્વારા આ તળાવનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. પરંતુ 1 મહિનામાં તળાવની યોગ્ય જાળવણી ન થઈ હોવાના કારણે તળાવમાં ગટર અને કેમિકલનું પાણી ભરાઈ ગયું છે. જેને કારણે તળાવની આસપાસ દુર્ગંધ મારી રહી છે અને આ જ દુર્ગંધના કારણે સ્થાનિકો આ તળાવમાં આવતા ખચકાટ અનુભવી રહ્યા છે.

સ્થાનિકોની ફરિયાદ છે કે આ તળાવમાં ભરવામાં આવેલા કેમિકલયુક્ત પાણીના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અને સ્થાનિકોને ચામડીના રોગો થઈ રહ્યા છે. વસ્ત્રાલની સુંદરતામાં વધારો થાય તે માટે કરોડો રૂપિયાના ખર્ચે આ તળાવ બનાવવામાં આવ્યું હતુ. પરંતુ તળાવની યોગ્ય જાળવણી કરવામાં AMCના અધિકારી નિષ્ફળ નિવડ્યા છે. AMCના અધિકારી સ્વીકારી રહ્યા છે કે ગટરની લાઈનનું પાણી આ તળાવમાં ખામીના કારણે આવી ગયું છે. જેને તાકિદે બંધ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં ગંદા પાણીનો નિકાલ પણ કરી દેવામાં આવશે.

READ  અમદાવાદમાં અદાણીની ગેસ લાઈન લીકેજ થતાં આગ લાગી, એક વાહન બળીને ખાખ, જુઓ VIDEO

તળાવમાં ભરાયેલું ગંદુ પાણી જમીનમાં ઉતરી રહ્યું છે. જે આસપાસની સોસાયટીની બોરની લાઈનમાં ભળી રહ્યું છે. આવા પાણીનો ઉપયોગ રોજીંદા જીવનમાં થતો હોવાના કારણે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે ગટરની લાઈન બંધ કર્યા બાદ કોર્પોરેશન દ્વારા તાકિદે તળાવનું પાણી ખાલી કરવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે.

Top News Stories Of Gujarat : 13-10-2019 | Tv9GujaratiNews

FB Comments