ગુજરાતની રાજનીતિમાં દિગ્ગજ નેતા શંકર ચૌધરીના શત્રુ કોણ, અલ્પેશ ઠાકોરને ટિકિટ મળી તો શંકર ચૌધરીને કેમ નહીં?

શંકર ચૌધરીને ગુજરાતની રાજનીતિમાં દિગ્ગજ નેતાઓ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ આ જ દિગ્ગજ નેતાની ચૂંટણીલક્ષી સફર પર ગ્રહણ લાગી રહ્યું હોય તેવું લાગી રહ્યુ છે. વિધાનસભાની 6 બેઠક પર પેટાચૂંટણીમાં તમામની નજર થરાદ પર હતી. કેમ કે, શંકર ચૌધરીએ આ બેઠક પર ઉમેદવાર બનવા પ્રબળ પ્રયાસો કર્યા હતા. પરંતુ અંતે યાદી જાહેર થઈ તો તેમના હિસ્સામાં નિષ્ફળ આવી છે. અને હવે વિધાનસભાના સદનમાં પહોંચવા તેમને 2020 સુધીની રાહ જોવી પડશે.

આ પણ વાંચોઃ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે લડશે ચૂંટણી, પ્રથમવખત ચૂંટણી મેદાનમાં ઉતર્યા ઠાકરે પરિવારના સભ્ય

ગુજરાતમાં સૌથી નાની ઉંમરે ચૂંટણી લડેલા અને જીતેલા ભાજપના એક નેતા એટલે શંકર ચૌધરી છે. નરેન્દ્ર મોદી, આનંદી બેન પટેલ કે રૂપાણી સરકારના કેબિનેટ પ્રધાન બનેલા એક નેતા એટલે શંકર ચૌધરી, પરંતુ ધીમે ધીમે પાર્ટીમાં તેમનું કદ વેતરાઈ રહ્યું હોય તેવું આ પેટાચૂંટણીમાં લાગી રહ્યું છે. 2017 વિધાનસભાની ચૂંટણીમાં હાર બાદ તેમના વર્ચસ્વમાં ઘટાડો થઈ રહ્યો છે. થરાદ બેઠક માટે તેમને આશાવાદ હતો કે, તેમને ટિકિટ મળશે અને ફરી એક વાર સરકારમાં પ્રવેશ થશે. જો કે ભાજપે જાહેર કરેલા ઉમેદવારોની યાદીએ શંકર ચૌધરીની આશાઓ પર પાણી ફેરવી નાખ્યું છે. શંકર ચૌધરીને પડતા મુકાયા એટલે હજુ ચૌધરી માટે દિલ્હી દૂર જેવી સ્થિતિનો ઘાટ સર્જાયો.

READ  નિત્યાનંદ આશ્રમનો વિવાદ પહોંચ્યો ગુજરાત હાઈકોર્ટ, યુવતીના પિતા હેબિયર્સ કોપર્સ દાખલ કરશે, જુઓ VIDEO

અને ફરી વખત ચૌધરી વર્ષ 2020 સુધી વેઈટ એન્ડ વોચની સ્થિતિમાં મૂકાયા છે. થરાદની બેઠકને સાંસદ પરબત પટેલ અને શંકર ચૌધરીએ પ્રતિષ્ઠાનો જંગ બનાવી લીધો હતો. એક સમયે ઉત્તર ગુજરાતનું સૌથી મોટું નેતૃત્વ ગણાતા શંકર ચૌધરીની ફરી એક વખત હાર થઈ હોય અથવા તો તેમના રાજકીય દુશ્મનોની ફરી એક વખત જીત થઇ હોય એવું થરાદ બેઠકના ઉમેદવારના નામની જાહેરાત પરથી લાગી રહ્યું છે. જો કે ભાજપે તેની જૂની રણનીતિ પ્રમાણે એક કાંકરે 2 પક્ષીઓનો શિકાર કર્યો છે. એક તરફ પરબત પટેલના પુત્ર કે, તેમના પરિવારના કોઈ પણ સદસ્યને ટિકિટ ન આપી પરિવારવાદના આક્ષેપોનો છેદ ઉડાવ્યો છે. તો બીજી તરફ સ્થાનિક ઉમેદવારનું કારણ આગળ મૂકી શંકર ચૌધરીને રેસમાંથી બહાર કરી દીધા છે. મહત્વનું એ પણ છે કે, રાધનપુર અને બાયડમાં આ વર્ષે કોંગ્રેસમાંથી આવેલા આયાતી ઉમેદવાર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને વિરોધ વચ્ચે પણ ટિકિટ આપવામાં આવી છે.

ત્યારે થરાદ બેઠકમાં ‘સ્થાનિક’ નેતૃત્વના મુદાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. અહીંએ વાતની પણ નોંધ લેવી જરૂરી છે કે, પૂર્વ મંત્રી શંકર ચૌધરીની વિધાનસભા ચૂંટણીમાં થયેલી હાર હજુ પણ તેમની વર્તમાન સમયની રાજનિતિ માટે નડતરરૂપ સાબિત થઈ રહી છે. લોકસભાની ચૂટણીમાં થરાદના MLA પરબત પટેલને ટિકિટ મળતા શંકર ચૌધરીએ હાશકારો જરૂર અનુભવ્યો હતો અને પરબત પટેલ સાસંદ તરીકે જીતેએ માટેના પૂરતા પ્રયાસ પણ કર્યા હતા. કેમ કે, તે પોતે પણ ઇચ્છતા હતા કે થરાદ બેઠક ખાલી પડે તો તેમને પાર્ટી ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં તેમને ઉતારશે. છેલ્લા 6 મહિનાથી થરાદના કાર્યક્રમોમાં હાજરી આપવાની પણ શરૂ કરી દીધી હતી. સાથે જ બનાસડેરી જે તેમનું ગઢ માનવામા આવે છે એ ડેરીના માધ્યમથી પણ વિવિઘ કાર્યક્રમો દ્વારા પ્રજા વચ્ચે રહેવાનો પ્રયાસ કર્યો હતો.

READ  શું શંકર ચૌધરી માટે છે કપરા ચઢાણ? જાણો રાજનીતિમાં ENTRY થશે કે EXIT

જો કે શરૂઆતથી જ પરબત પટેલ ઈચ્છતા હતા કે, તેમના પુત્રને જ આ બેઠક પર ટિકિટ મળે એ માટે એમને લોબિંગ પણ કર્યુ હતું. ત્યાં જ બેઠક પર સ્થાનિક નેતાની જ ઉમેદવારીને લઈને માગ ઉઠી તો આ બેઠક માટે પાર્લામેન્ટ્રી બોર્ડમાં પણ લાંબી ચર્ચા ચાલી હતી. સૂત્રોની માનીએ તો શંકર ચૌધરીનું નામ પેનલમાં તો મૂકવામાં આવ્યું હતું. પરંતુ વર્તમાન ભાજપ પ્રદેશના હાલના કદાવર હોદ્દેદારો તથા 2 કેબિનેટ કક્ષાના સરકારી મંત્રીઓ પણ શંકર ચૌધરીને ટિકિટ મળે એવું ઇચ્છતા ન હતા. જેના કારણે સ્થાનિક ઉમેદવારવાળો વિષય ઉભો થયો. જો કે કંઈ રંધાઈ રહ્યું હોવાની જાણ શંકર ચૌધરીને પણ આવી ગઈ હતી.

READ  ગુજરાત પેટાચૂંટણી પરિણામઃ બાયડ અને રાધનપુરમાંથી હાર્યા બાદ અલ્પેશ અને ધવલસિંહની પ્રતિક્રિયા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

તેમણે આ અંગે કેન્દ્રીય નેતૃત્વ સાથે ચર્ચા પણ કરી હતી. ત્યારે ટિકિટ માટે આશ્વાસન પણ આપવામાં આવ્યું હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચા છે. અને એ જ કારણ હતું કે જે દિવસે નામની જાહેરાત કરવામાં આવી હતી. એ દિવસે પોતાના મત વિસ્તારમાં જ ઉપસ્થિત હતા. પરંતુ યાદી જાહેર થઈ ત્યારે જાતિગત સમીકરણો અને સ્થાનિક ઉમેદવારના સમીકરણોને આગળ મૂકાયા અને અંતે એક નવા નામ પર જ ભાજપે પસંદગીનો કળશ ઢોળ્યો. આ તમામ રાજકીય કાવાદાવા વચ્ચે ફરી એક વાર શંકર ચૌધરી હાસિયામાં ધકેલાયા છે. જો કે આ સમગ્ર મામલે શંકર ચૌધરી કઈ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે. હવે તેમને ચૂંટણીની રાજનીતિમાં પ્રવેશ મેળવવા માટે 2020 સુધી રાહ જોવી જ રહી. પણ સવાલ એ જ ઉપસ્થિત થઈ રહ્યો છે શું 2020માં પણ તેમની સક્રિય રાજકારણમાં તેમનો પ્રવેશ થશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FB Comments